- કલોલમાં ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો : એકનું મોત, 4ને ઈજા
- બેફામ ગતિએ આવેલી ટ્રકે સામેથી રિક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ
- શેરીસા અંધારી જોગણી માતાના મંદિર તરફના રોડની ઘટના
કલોલના શેરીસા અંધારી જોગણી માતાના મંદીર તરફના રોડ પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રિક્ષાને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ રીક્ષા પલ્ટી ખાઈ જતા એક મુસાફરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર સહિત ચાર લોકોને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતો પ્રદિપસિંહ રાજપુત અરવિંદ મિલમાં નોકરીની સાથે રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલ મંગળવારનાં રોજ સવારે 6 વાગે પ્રદીપસિંહ રીક્ષામાં પેસેન્જર લઈને ખાત્રજ ગયો હતો. અને બપોર સુધી ખાત્રજ ચોકડી પર રોકાયો હતો.
બાદમાં ખાત્રજ ચોકડી એક પેસેન્જ લઇ કલોલ જવા નિકળ્યો હતો. અને બીજા પેસેન્જર આનંદપુરા શેરીસા અંધારી જોગણી માતાના મંદીર આગળથી બેસાડયા હતા. ત્યારે આગળ ગળનારા પાસે પહોચતા એક ટ્રક ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રિક્ષાને સામેથી ટક્કર મારી હતી. જેનાં કારણે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. એટલામાં ટ્રક મુકીને ચાલક નાસી ગયો હતો.
આ અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી થઈ હતી. અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ થકી ડ્રાઈવર પ્રદીપસિંહ તેમજ મુસાફર ધીરજ ગુપ્તાને કલોલ સીએચસી લઈ જવાયા હતા. જ્યાં બંનેની પ્રાથમિક સારવાર કરી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. અને સિવિલમાં ધીરજ ગુપ્તાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.