કલોલમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા યુવકને કાપડના વેપારીએ ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા ૩૩ લાખની છેતરપિંડી આચરી હોવાના બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે જમીન દલાલ સમીર વિકટરભાઇ મેકવાન (રહે- અલસમદ સોસાયટી, કલોલ)ને નજીકની આશીયાના સોસાયટીમાં રહેતો તોસીફ હનીફભાઇ મેમણ મળ્યો હતો અને કાપડના ધંધા અર્થે પૈસાની માંગણી કરી હતી. પરંતુ એ વખતે પૈસા નહીં હોવાથી સમીરભાઈએ પૈસા આપવાની ના પાડી હતી. તેમ છતાં તોસીફ વારંવાર પૈસાની માંગણી કરતો હોવાથી તોસીફ તેના પિતા હનીફભાઇ મેમણને લઈને સમીરભાઈના ઘરે ગયો હતો. એ વખતે તેના પિતાએ પણ પૈસા આપવાની ભલામણ કરી હતી. આથી સમીરભાઈ ગાંધીનગર ખાતે તેમના ઓળખીતા સલીમ મીર સાથે મિટિંગ પણ કરાવી હતી. ત્યારે તોસીફે કલોલ ખાતેનો મકાનનો પ્લોટ વેચાણ આપવાની વાત કરી હતી અને દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપી રૂ. 25 લાખ સલીમભાઈ પાસેથી લીધા હતા. જેની અવેજીમાં પ્લોટનો દસ્તાવેજ તેમજ 25 લાખનો ચેક પણ આપ્યો હતો.
દરમિયાન એપ્રિલ – 2023 માં તોસીફના પિતાનું હ્યદયરોગથી મોત થયા બાદ તોસીફ બીજા રૂપિયા લેવા માટે સમીરભાઈ પાસે ગયો હતો અને કાપડના ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. જેથી પોતાના પુત્રનો તોસીફ મિત્ર હોવાથી સમીરભાઈએ કાપડના ધંધામાં ભાગીદારી પેટે રૂ. 10 લાખ આપ્યા હતા. જે એક મહિનામાં ચૂકવી દેવાની ગેરંટી આપી તોસીફે રૂ. 10 લાખનો ચેક આપ્યો હતો. બીજી તરફ અગાઉ વાત થયા મુજબ સમીરભાઈએ પ્લોટનો દસ્તાવેજ કરી આપવાની વાત કરતા તોસીફે પ્લોટ વેચાણ આપવાની ના પાડી દઈ પૈસા પરત કરી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ લાંબા સમય સુધી તેણે પૈસા પરત કરવાની દાનત ન હોવાથી અને ખોટા કેસમાં ફસાવી ન દેવાની ધમકી આપી હાથ અધ્ધર કરી દીધા હતા. આ રીતે તોસીફે વિશ્વાસઘાત કર્યો હોવાથી સમીરભાઈએ કલોલ શહેર પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી
ફરિયાદના આધારે કલોલ પોલીસ સ્ટેશનને વધુ તપાસ હાથ ધરી.