પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બજેટ, વિવિધ પાકોની એમએસપી, ખાતરની સબસિડીમાં વધારો સહિતના અનેક કૃષિલક્ષી નિર્ણયો થયા હોવાનું જણાવતા અમિતભાઈ શાહ કોરોના પછી વૈશ્વિક બજારોમાં ફર્ટિલાઇઝરના ભાવ વધ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો પર બોજો નથી નાખ્યો અમિતભાઈ શાહ ઇફકોનો નેનો તરલ ડીએપી પ્લાન્ટ મેક ઈન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે અમિતભાઈ શાહ કોંગ્રેસના શાસનમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ખેડૂતો માટેનું બજેટ રૂ.૨૨,૦૦૦ કરોડ હતું જે વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૧ લાખ ૨૨ હજાર કરોડ કરાયું અમિતભાઈ શાહ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કલોલ સ્થિત ઇફકો ખાતે આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર અને અધ્યતન ઓટોમેશન ટેકનોલોજીથી સજ્જ રૂ.૩૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત નેનો ડીએપી (તરલ) પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. તેઓએ પ્લાન્ટના વિવિધ વિભાગો અને લેબોરેટરીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિશેષતાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે આઝાદ હિંદ ફોજમાં બહાદુરીપૂર્વક કાર્ય કરનાર કેપ્ટન લક્ષ્મી સહેગલની જન્મજયંતી નિમિત્તે તેમનું સ્મરણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને પશ્ચિમ ભારતના ખેડૂતો માટે સપરમો દિવસ છે કે આજે ઇફકો ખાતે નેનો તરલ ડીએપીના નવીન કારખાનાનું ઉદ્દઘાટન થયું છે. નેનો યુરિયા અને નેનો ડીએપીમાં ભારતને વિશ્વમાં સર્વપ્રથમ સ્થાને લઈ જવા ઇફકો એ ખુબ કમર કસી છે તેમાં ઇફકોના એમ.ડી ઉદયશંકર અવસ્થીનો મોટો ફાળો છે.અમિતભાઈ શાહે કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ઇફકોના એમ.ડી ઉદયશંકર અવસ્થીને હદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતાં.
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે, વર્ષમાં ૩ થી ૪ પાક લેવાય તેવી આબોહવા અને ખેતીલાયક ભૂમિ ભારત સિવાય વિશ્વમાં ક્યાંય નથી, ભારત એકમાત્ર એવો દેશ છે જેમાં વર્ષના દરેક મહિનામાં ખેતરમાં કામ થઈ શકે તેવી વ્યવસ્થા છેલ્લા ૭૫ વર્ષમાં કરાઇ છે. સમય મુજબ રહેઠાણ વસાહતો વધે ઔદ્યોગીકરણ વધે, જમીન એન.એ થવાની પરિસ્થિત વચ્ચે અનાજનું ઉત્પાદન અને અનાજની જરૂરિયાત વચ્ચે સંતુલન રાખવાની ખેડૂતને જગતનો તાત માનનારા, ધરતીને માં માનનારા આપણે સૌ અને ખેડૂતલક્ષી કો-ઓપરેટિંવ સંસ્થાની છે.
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દેશના ૬૦% જેટલા લોકો આજે કૃષિ આધારિત જીવનનિર્વાહ કરે છે. દેશની ૬૦% જેટલી ભૂમિ કૃષિલાયક છે ત્યારે વર્ષોથી ખેડૂત અને ખેતી બંનેની ભૂતકાળની સરકારો દ્વારા અવગણના થતી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર બની તે પહેલાં કોંગ્રેસના શાસનમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ખેડૂતો માટેનું બજેટ રૂ.૨૨,૦૦૦ કરોડ હતું જે વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૧ લાખ ૨૨ હજાર કરોડ કરાયું છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ખેડૂતોને રૂ.૭ લાખ કરોડની લોન અપાતી હતી, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧૯ લાખ કરોડની લોન અપાઈ છે, અન્ય પાકોને બાદ કરતા ઘઉં અને ધાનનું ઉત્પાદન વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૨૨ મિલિયન ટન હતું જે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૬૫ મિલિયન ટન થયું છે. ચોખાની એમેએસપી રૂ.૧૩૧૦ થી રૂ.૨૨૦૩, ઘઉંની એમેએસપી રૂ.૧૪૦૦ થી રૂ.૨૨૭૫, બાજરાની એમએસપી રૂ.૧૨૫૦ થી રૂ.૨૫૦૦ કરવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.
અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, કોરોના મહામારી પછી વૈશ્વિક બજારોમાં ફર્ટિલાઇઝરના ભાવ વધ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો પર બોજો નથી નાખ્યો. વર્ષ ૨૦૧૩-૧૪ માં ખાતરની સબસિડી રૂ.૭૩,૦૦૦ કરોડ હતી જે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨,૫૫,૬૦૦ કરોડ કરાઇ છે. ઇફકોએ નેનો તરલ યુરિયા અને નેનો તરલ ડીએપી ની યાત્રાનું ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ. ઇફકો દ્વારા નેનો તરલ યુરિયા અને નેનો તરલ ડીએપી માટે ૨૦ વર્ષની પેટન્ટ પણ રજિસ્ટર્ડ કરાઇ છે. નેનો ટેકનોલોજીથી છોડના પોષણમાં મોટું પરિવર્તન થશે. ઘન યુરિયા અને ઘન ડીએપીમાં યુટીલાઈઝેશન ૨૦ ટકા છે જ્યારે નેનો તરલ ડીએપી અને યુરિયામાં તે ૯૦ ટકા સુધી છે. નેનો તરલ યુરિયા અને નેનો તરલ ડીએપીના ઉપયોગથી વિવિધ પાક મુજબ ખર્ચામાં ૮ થી ૨૦% ની બચત થશે.
અમિતભાઈ શાહે જણાવ્યું કે, ૧૦ વર્ષ પછી કૃષિ ક્ષેત્રમાં થયેલા સૌથી મોટા પ્રયોગોની યાદી બનશે ત્યારે ઇફ્કોનું નેનો તરલ યુરિયા અને નેનો તરલ ડીએપી તેમાંથી એક હશે. આજે યુરિયાનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની સમયની જરૂરિયાત છે. નેનો યુરિયાનો છંટકાવ જમીન પર નથી થતો, તેનાથી અળસિયાંના મૃત્યુ થવાની સંભાવના પણ નથી ત્યારે પ્રાકૃતિક ખેતી માટે જમીનને તૈયાર કરવા માટે જોઈતા ૨ વર્ષના સમયગાળામાં નેનો ડીએપી ઉપયોગી થઇ શકે છે. ઇફકો અને પ્રાયમરી એગ્રિકલચર સોસાયટીઓ સંયુક્ત રીતે આ જવાબદારી લે તો આપણે ઝડપથી આપણી જમીનને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરી શકીએ છીએ.
અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ઘન યુરિયા અને ઘન ડીએપી માં રહેલ મેટલના ઝીણા પાર્ટ અનાજમાં પણ જોવા મળે છે પરંતુ નેનો તરલ ડીએપીમાં મેટલની માત્રા શૂન્ય છે. ઇફકોનો નેનો તરલ ડીએપી પ્લાન્ટ મેક ઈન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે. ભૂતકાળમાં જ્યારે ઇફકોના પ્લાન્ટમાં પાણીની આવશ્યકતા હતી ત્યારે ઇફકોની ફેકટરી પ્રથમ હતી કે જ્યાં નર્મદાનું પાણી આપવાની શરૂઆત થઈ હતી. રૂ.૩૦૦ કરોડના રોકાણથી તૈયાર થયેલા આ પ્લાન્ટમાં ૬ કરોડ બોટલનું ઉત્પાદન થશે જેના ઉપયોગથી ખેડૂતોને સીધો ફાયદો થશે.
અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સહકાર મંત્રાલયે બીજ સંરક્ષણ અને એગ્રીકલ્ચર એક્સપોર્ટ માટે બે કો-ઓપરેટિવ સંસ્થા બનાવી છે. આ બંને સંસ્થાને ઇફકો જેવી વિશ્વની પ્રથમ કક્ષાની સંસ્થા બનાવવા ઇફકો એ તેના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ અને ક્રૉપ પેટર્ન ચેન્જિંગ પર ક્રાંતિ કરવા માટે આગળ આવવું જોઈએ. મંત્રાલય દ્વારા ૫૭ જેટલી પહેલ કરી ખેડૂતો માટે સહકારીતા જગતને જીવંત બનાવ્યું છે.
કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, જમીન બગડે નહીં ખેડૂતોનું ઉત્પાદન જળવાય તે માટે નેનો તરલ ડીએપી અને નેનો તરફ યુરિયા મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં ગત વર્ષે ફર્ટીલાઇઝર માટે રૂપિયા ૨.૫ લાખ કરોડની સબસીડી અપાઈ હતી જેમાં ગુજરાતના ખેડૂતોને રૂપિયા ૨૨ હજાર કરોડની સબસીડીનો લાભ મળ્યો હતો. માંડવીયાએ નેનો તરલ ડીએપી ના નવનિર્મિત પ્લાન્ટની વિશેષતાઓ અને ખેડૂતોને થનારા લાભો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ઇફકોના એમ.ડી ઉદયશંકર અવસ્થી, ધારાસભ્યઓ લક્ષ્મણજી બકાજી ઠાકોર, રમણલાલ વોરા તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂતો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.