ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાંણે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હોવાનો રાજકીય ખેલ ખેલાયો હતો. બુધવારે સવારે તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાવાની હતી તે પહેલા પોલીસ કોંગ્રેસના બે સભ્યોને ઉઠાવી ગઇ અને બે સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. તેના કારણે કોંગ્રેસના સભ્ય સંખ્યા ઘટી જતાં ભાજપના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા હતાં.
આમ વર્ષો બાદ કલોલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપે સત્તાના જોરે પોલીસ સાથે સાંઠગાંઠ કરી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. આ બાબતે ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવશે.
કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 15 સભ્યોની બહુમતી સાથે સત્તા સંભાળતી હતી. ભાજપના 11 સભ્યો ચૂંટાયેલા હતા. ભાગફોડની શંકા જતાં કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યોને તૂટતા બચાવવા તમામને સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કમાં લઈ જવાયા હતા. ત્યારે રાત્રે કલોલ શહેર પોલીસે ધમાસણા બેઠકના કોંગી સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલાની એટ્રોસિટીના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન સવારે તમામ સભ્યો મતદાન કરવા વોટરપાર્કમાંથી લક્ઝરી બસ મારફતે કલોલ જઇ રહ્યાં હતાં ત્યારે પેથાપુર પાસે કલોલ તાલુકા પોલીસે બસને આંતરી પલસાણા બેઠકના સભ્ય શર્મિષ્ઠાબેન પટેલની ધરપકડ કરી હતી. પુત્રવધૂએ 498 અન્વયે ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે શર્મિષ્ઠાબેન અને તેમના પતિની ધરપકડ કરી હતી.
કાફલો કલોલ તાલુકા પંચાયતની કચેરીમાં પહોંચ્યો હતો. જ્યાં સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર અને પક્ષ પલટો કરીને આવેલા બબીતાબેન શકરાજી ઠાકોરને પ્રમુખ તરીકે 12 વોટ મળ્યા હતા અને ઉપપ્રમુખના ઉમેદવાર ડિંગુચાના અર્પિત પટેલને 12 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખના ઉમેદવારી નીતાબેન ઠાકોર અને શંભુજી ગલાબાજી ઠાકોરને 10 – 10 વોટ મળ્યા હતા. આમ 12 વોટ મળતા ભાજપે બહુમતી હાંસલ કરી લીધી હતી.
અહેવાલ સંજય નાયક કલોલ