દહેગામ : કોરોનાકાળમાં જે પરિવારના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના માટે રાજ્ય સરકારે રૃા.૫૦ હજારની સહાય જાહેર કરી હતી. આ સરકારી સહાય મેળવવા માટે અગાઉ પણ જે લોકો કોરોનામાં મૃત્યુ નહોતા પામ્યા તેવા નામ પણ સામે આવ્યા હતા અને મામલો ગરમાયો હતો. જે તે સમયે રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા હતા ત્યારે હવે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પણ સરકારી સહાય મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં જુદા જુદા ગામના ૩૦ જેટલા અરજદારોએ બનાવટી નકલી ઓફિસરના સહી સિક્કા મારી દીધા હતા. આખરે તપાસમાં ભાંડો ફૂટતાં આ મામલે ૩૦ અરજદારો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં હડકંપ મચી જવા પામ્યો છે.
દહેગામ તાલુકામાં કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોની સહાય મેળવવા માટે ૩૦ જેટલા અરજદારોએ સાણોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરના નકલી સટફિકેટ અરજી સાથે સામેલ કર્યા હતા. આ મામલે મામલતદાર કચેરી એટીવીટી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર કૌશલકુમાર ભીમજીભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોવિડ-૧૯ની સહાય મેળવવા માટે કેટલાક ઈસમોએ ખોટા સટફિકેટ રજૂ કર્યા હતા અને તેની તપાસ કરવામાં આવતાં એ સટફિકેટ બનાવટી હોવાનું માલૂમ પડયું હતું. મેડીકલ સર્ટિફિકેટની તપાસ કરતાં તબીબી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાણોદાનું હોવાનું માલૂમ પડયું હતું.આ મામલે મેડીકલ ઓફિસરે મૃતકોના નામ સાથેની વિગતો તપાસ કરતાં આવા કોઈ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવ્યા નથી તેવું માલૂમ પડયું હતું. ૩૦ અરજદારોએ બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું સામે આવ્યું હતું અને સરકારની રૃા.૫૦ હજારની સહાય પણ મેળવી લીધી હતી. આ મામલે આખરે દહેગામ પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં તેની તપાસ પીઆઈ બી.બી.ગોહીલ કરી રહ્યા છે.