
ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોને ભક્તિ, શક્તિ અને આરાધના ના પર્વ નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઇ શાહ

ભાવિ પેઢીને પ્રેરણા મળે તે હેતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહીદ સ્મારકોનાં રૂપમાં ચેતના કેન્દ્રોનું દેશભરમાં નિર્માણ કર્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
શહીદ સ્મારક રાષ્ટ્રચેતનાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનારી દીવાદાંડી સમાન – શ્રી અમિતભાઈ શાહ
દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં ઘડાય છે: આપણી ભાષા અને સંસ્કૃતિને ઓળખવાનો અવસર પુસ્તકાલય આપે છે – શ્રી અમિતભાઇ શાહ

આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડ નાં ખર્ચે નવનિર્મિત થયેલા શહીદ સ્મારક અને પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈસ 1857 ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ સહિતના બાર શહીદ વીરોને અંગ્રેજોએ ફાંસી આપી હતી. આ શહીદોની સ્મૃતિને અકબંધ રાખતા ભવ્ય સ્મારકનું સમૌ ખાતે નિર્માણ કરાયું છે. આ શહીદ સ્મારકને રાષ્ટ્રચેતનાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનારી દીવાદાંડી સમાન ગણાવી શ્રી શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યપરાયણ બનવાની આ સ્મારક સતત પ્રેરણા આપશે.

શ્રી શાહે ઉપસ્થિત સૌ નાગરિકોને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મારા ઘડતરમાં પુસ્તકોની વિશેષ ભૂમિકા રહી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં ઘડાય છે અને આપણી ભાષા અને સંસ્કૃતિને ઓળખવાનો પુસ્તકાલય અનેરો અવસર આપે છે. પુસ્તકાલયમાં ભગવદ્ગોમંડળનાં ભાગ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાષાની સમૃદ્ધિથી બાળકો અને યુવાનો દૂર થઈ રહ્યા છે ત્યારે વાંચનથી જ્ઞાન સંપન્ન બનવાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વાંચે ગુજરાત અભિયાન ઉપાડ્યું હતું અને રાજ્યના પુસ્તકાલયોને અનેકવિધ પુસ્તકોથી સંપન્ન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાનની સફળતા હોય કે વિધાનસભા અને સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાનો સંકલ્પ હોય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ દેશનો વિકાસ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી એ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે વર્ષ 1857 થી વર્ષ 1947 સુધીના દેશના આઝાદીના જંગમાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના અમૂલ્ય પ્રદાનથી ભાવિ પેઢીને પ્રેરણા મળે અને શહીદોના ઇતિહાસને પુનર્જીવિત કરીને શહીદ સ્મારકોનાં સ્વરૂપે ચેતના કેન્દ્રોનું દેશભરમાં નિર્માણ કર્યું છે.

શ્રી શાહે યુવાનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર સુવિધાઓ ઊભી કરે છે પરંતુ તેની જાળવવાની ચિંતા યુવાનોએ કરવી પડે તેમણે શહીદ સ્મારક સંકુલની જાળવણી માટે યુવાનોને આગળ આવવા અપીલ પણ કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, મહેસાણાના સાંસદ શ્રી શારદાબેન પટેલ, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પા પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિત ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલ પટેલ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
