અમદાવાદમાં આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.અમદાવાદમાં તથ્ય પટેલ બાદ હવે રાજકોટમાં વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં એક નબીરાએ ફેરિયા સહિત 3 બાઈકો અડફેટે લેધા હોવાનું સામે આવ્યું છે.
કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ સ્કોર્પિયો ચાલકે અનેક ટુ-વ્હીલર્સને અડફેટે લીધા હતા.જે બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે.ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
સમય ઘટના સીસીટીવીમાં કેદ
અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે અનેક બાઈકને ઢસડીને જઈ રહી છે અને દીવાલ સાથે અથડાઈને ઊભી રહી જાય છે. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું હતું. જોકે સદનસીબે મોટી જાનહાનિ થતા બચી ગઈ. જો સોસાયટીમાં રમતું કોઈ બાળક કે રસ્તે જતી વ્યક્તિ વચ્ચે આવી હોત તો અકસ્માત જીવલેણ બની ગયો હોત.