પૂળા લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી
વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામે મહિલાએ રસ્તામાં પડેલા પૂળા લેવા બાબતે કહેવા જતા ઝગડો કરી કુહાડીના હાથા વડે તેમજ ધોકા વડે મારી ગડદાપાટુંનો માર માર્યો હતો. ઝપાઝપીમાં સોનાની ચેન ક્યાંક પડી જતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા બે મહિલા સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ચિત્રોડીપુરા માઢ ગામના અંબાબેન કરશનભાઈ ચૌધરી ગત 25/08/2023ના રોજ ખેતરમાંથી ભેંસો માટેનુ ઘાસચારો ઉપાડી વાડામાં આવતા રસ્તામાં પાડોશી ચૌધરી શંકરભાઈ દેવજીભાઈએ જવારના પૂળા રસ્તામાં નાખેલા હોવાથી ચૌધરી સવિતાબેન નાગજીભાઈને અંબાબેનએ રસ્તામાંથી પૂળા લઈ લેવાનું કહેતા અપશબ્દો બોલી કુહાડીના હાથા વડે માર મારવા લાગ્યા હતા અને ઉપરાણું લઈ આવેલા પતિ ચૌધરી નાગજીભાઈએ પણ માર્યો હતો.
ત્યારબાદ થોડીવાર પછી ચૌધરી યોગેશ શંકરભાઈ, માતા શાંતાબેન શંકરભાઈ અને શંકરભાઈ દેવજીભાઈ ચૌધરી ત્યાં આવી ‘તું મારી સવિતાબેન સાથે કેમ બોલાચાલી કરે છે’ કહી ધોકા તેમજ ગડદાપાટુંનો માર મારી ઝપાઝપી કરતા અંબાબેનની સોનાની ચેન ક્યાંક પડી ગઈ હતી. જેથી અંબાબેનને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી આ બનાવ અંગે અંબાબેને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચૌધરી સવિતાબેન નાગજીભાઈ, ચૌધરી નાગજીભાઈ શંકરભાઈ, ચૌધરી યોગેશભાઈ શંકરભાઈ, ચૌધરી શાંતાબેન શંકરભાઈ અને ચૌધરી શંકરભાઈ દેવજીભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અપશબ્દો બોલવાની ના પાડતા યુવકને માર માર્યો
વિસનગર તાલુકાના રામપુરા (કાંસા) ગામના ગજેન્દ્રકુમાર અમૃતભાઈ પરમાર ગત 24/08/2023 માહોલમાં આંટા મારતો હતો. તે દરમિયાન મહોલ્લામાં રહેતા સાહિલકુમાર હસમુખભાઈ પરમાર ઘર આગળથી જતો હતો અને અપશબ્દો બોલતો હતો. જેથી સાહિલને અપશબ્દો બોલવાની ના પાડતાં ઝપાઝપી કરી ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. જેથી આ બનાવ અંગે ગજેન્દ્ર એ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે સાહિલ હસમુખભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.