ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 (Gujarat Local Authorities Laws (Amendment) Bill 2023) અંગે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, OBCને 27 ટકા અનામતથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ST કે OBCની એકપણ બેઠક ઘટી નથી પરંતુ ઓબીસીને હવે ગ્રામ્ય અને શહેરી સંસ્થાઓમાં 11390 બેઠકો વધુ મળશે. આ વિધેયકને કોંગ્રેસના વ્યાપક વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યું છે.
જિલ્લા-તાલુકા પંચાયતો, પાલિકા અને મહાનગરમાં OBCની 11390 બેઠકો વધશે : ઋષિકેશ પટેલ
લોકસભાની ચૂંટણી પહેલાં સત્તાધારી પાર્ટીએ રાજ્યમાં ૫૦ ટકા જેટલા ઓબીસી મતો અંકે કરી લેવા માટે 27 ટકા અનામતનો સ્વિકારી કરી વિધાનસભામાં કાયદા સુધારણાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે પછીની સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી ઉમેદવારો અને પદાધિકારીઓ માટે વધારે બેઠકો પ્રાપ્ત થશે.
સ્થાનિક સંસ્થામાં 27 ટકા અનામત આપનારા રાજ્યોમાં ગુજરાત ચોથું રાજ્ય બન્યું
વિધેયકની રજૂઆત સમયે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 1993માં આ વિધેયક લાવવામાં આવ્યું હતું ત્યારે ભાજપે તેને ટેકો આપ્યો હતો. કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે OBC જ્ઞાતીઓ માટે કોંગ્રેસનો નકારાત્મક ઇતિહાસ રહેલો છે. હવે ભાજપની સરકારમાં આ વિધેયક લાવવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક સંસ્થામાં 27 ટકા અનામત આપનારા રાજ્યોમાં ગુજરાત ચોથું રાજ્ય બન્યું છે.
OBCની વસતી 50 ટકા અંદાજવામાં
તેમણે કહ્યું કે OBCની વસતી ગણતરી માટે ઝવેરી કમિશને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, આરોગ્ય વિભાગના આંકડા, 2021-22 દરમ્યાન ધોરણ-1માં પ્રવેશ મેળવેલા બાળકો, મતદાર યાદીમાં ઓબીસી મતદારો, બ્રિટીશ સમયના સેન્સસના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા રજૂઆત થયેલા આંકડા અને ગ્ર્રામીણ વિસ્તારોમાં ૫૨ ટકા અને શહેરી વિસ્તારોમાં 46.43 ટકા મળી ઓબીસીની વસતીનો સંદર્ભ લીધો છે. આ ડેટાના આધારે OBCની વસતી 50 ટકા અંદાજવામાં આવી છે.
કોંગ્રેસ નેતાનો મોટો આરોપ
આ કમિશને તમામ રાજકીય પક્ષો, ઝોન પ્રમાણે જિલ્લાના પદાધિકારીઓ, કમિટી ચેરમેન, જિલ્લાના પ્રતિષ્ઠીત આગેવાનો તેમજ રાજ્યકક્ષાએ રજીસ્ટર્ડ થયેલા 13 પક્ષોના અભિપ્રાય મેળવ્યા છે. સરકારે આ ભલામણોનો કેબિનેટમાં સ્વિકાર કર્યો હતો અને 27 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો તેમજ હોદ્દાઓ સંદર્ભે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસે એવી માગણી કરી હતી કે સરકારે પહેલાં ઝવેરી કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવો જોઇએ, કારણ કે યુનિટ પ્રમાણે ગણતરી થઇ ન હોવાથી ઓબીસી જ્ઞાાતિને અન્યાય થયો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, અનામતના મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો અને ઝવેરી કમિશનની ભલામણો સાચા અર્થમાં સ્વિકારવામાં આવી નથી.