બંને વિધાનસભા ક્ષેત્રના પાયાના તેમજ તમામ કાર્યકર્તાઓ તથા નગરસેવકોને સાથેના સંગઠનના સંસ્મરણો યાદ કરી આનંદ વ્યક્ત કરતા શ્રી અમિતભાઇ શાહ
દરિયાપુર વિધાનસભામાં જનસંઘ સમયના સિનિયર કાર્યકર્તા શ્રી દુલીચંદભાઈ વછેટાની શુભેચ્છા મુલાકાત લઈ જૂના સંસ્મરણો વાગોળતા શ્રી અમિતભાઇ શાહ
શ્રી અમિતભાઇ શાહનો આ અભિગમ કાર્યકર્તાઓ માટે ઉત્સાહવર્ધક અને કાર્યકર્તાઓ ભાજપનો પ્રાણ અને ચાલકબળ હોવાના મંત્રનું સાકાર સ્વરૂપ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ (ભગત) તેમજ દરીયાપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ જૈનના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું.
આ તબક્કે શ્રી શાહ બંને વિધાનસભા ક્ષેત્રના ભાજપના હોદ્દેદારો, પાયાના તેમજ તમામ કાર્યકર્તાઓ તથા નગરસેવકોને મળ્યા હતા અને સંગઠનના સંસ્મરણો યાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. બાદમાં શ્રી શાહે દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના જનસંઘ સમયના ભાજપના સિનિયર કાર્યકર્તા શ્રી દુલીચંદભાઈ વછેટાની પણ શુભેચ્છા મુલાકાત લઈ તેમના ખબર અંતર જાણ્યા હતા. શ્રી શાહે આ તબક્કે જૂના સંસ્મરણો વાગોળી ભાજપમાં શ્રી વછેટા સહિત અનેક સિનિયર કાર્યકર્તાઓએ આપેલ યોગદાનને બિરદાવ્યું હતું.શ્રી દુલીચંદભાઈ અગાઉના દરિયાપુર - કાજીપૂર વોર્ડ મંડળનાં ભાજપા પ્રમુખશ્રી તેમજ બાદમાં મહામંત્રી તેમજ નગરસેવક તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. અત્રે સર્વ વિદિત છે કે શ્રી શાહ તેમના વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ તેમના સંસદીય ક્ષેત્રના જનસંઘ સમયના ભાજપના વરિષ્ઠ અને પાયાના કાર્યકર્તાઓના ખબર અંતર જાણવા શુભેચ્છા મુલાકાત લેતા રહે છે. શ્રી શાહના આ અભિગમથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વર્ધન થવાની સાથે સાથે કાર્યકર્તાઓ ભાજપનો પ્રાણ અને ચાલકબળ હોવાના મંત્રને પણ સાકાર સ્વરૂપ મળી રહ્યું છે.