ઉનાવા ખાતે પારંપરિક શેરી ગરબામાં તથા ગાંધીનગર ખાતે સહાય ફાઉન્ડેશન આયોજિત “કેસરિયા – નવરાત ૨૦૨૩” માં શ્રી અમિતભાઇ શાહ રહ્યા ઉપસ્થિત
આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રિના પ્રારંભે માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
બાદમાં શ્રી શાહે ઉનાવા ખાતે મહાકાળી યુવક મંડળ આયોજિત પારંપરિક શેરી ગરબામાં તથા ગાંધીનગર રામકથા મેદાન ખાતે સહાય ફાઉન્ડેશન આયોજિત “કેસરિયા – નવરાત ૨૦૨૩”હાજરી આપી માં જગદંબાની આરાધનામાં સમ્મિલિત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને દિવ્ય એવા “કેસરિયા – નવરાત ૨૦૨૩” ગરબા મહોત્સવનું આયોજન ગાંધીનગરના રામકથા મેદાન ખાતે કરાયું છે આ મહોત્સવમાં અયોધ્યામાં નિર્માણાધિન ભગવાન શ્રી રામની ૧૦૧ ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી પ્રતિકૃતિ સહિત અયોધ્યાથી પૂજા કરીને ભગવાન શ્રી રામની પાદુકાઓ અને અંબાજીથી જ્યોત પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. એકસાથે ૧૨,૦૦૦ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું ડસ્ટ ક્રી મેદાન તેમજ ૧૫,૦૦૦ વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગરબા મહોત્સવ સ્થળનો રૂ.૧૨ કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.આ તબક્કે અંગદાન સહિત વિવિધ સામાજિક સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ પણ અહી નિર્મિત કરવામાં આવ્યા છે.