રૂ. 1.74 લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓને પકડી પડતી એલસીબી
કલોલ શહેર શ્રીનગર ભક્તિ ફ્લેટની સામે આવેલ વસુંધરા એપાર્ટમેન્ટમાં ભત્રીજા જમાઈએ કાકીનાં ફ્લેટને જુગારનો અડ્ડો બનાવી દીધો હોવાની બાતમી મળતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડીને છ જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ બે વાહનો મળીને કુલ. 1 લાખ 74 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કલોલમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ એલસીબી પીઆઈ દિવાનસિંહ વાળાને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે એલસીબીને બાતમી મળેલી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાથી કલોલનાં શ્રીનગર ભક્તિ ફ્લેટની સામે આવેલ વસુંધરા એપાર્ટમેન્ટ નંબર – 203 માં ધ્રુમીન ઉર્ફે ઉર્ફે ભોલો સુરેશભાઈ બારોટ (રહે. મકાન નંબર – 2,દ્વારકેશ એપાર્ટમેન્ટ, કપિલેશ્વર મહાદેવ પાસે, કલોલ) બહારથી ખેલીઓ બોલાવી મોટાપાયે જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. જે મકાન તેની કાકી સાસુનાં નામે છે.
બાદમાં એલસીબીએ જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂ. 49 હજાર 500 રોકડ રકમ, 7 મોબાઇલ ફોન કિ રૂ. 55 હજાર તેમજ 70 હજારની કિંમતના બે એક્ટિવા મળીને કુલ રૂ. 1 લાખ 74 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. આ તમામ જુગારીઓને એલસીબી કચેરીએ લાવીને કાયદાનું ભાન કરાવી એલસીબીએ કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.