કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં બળીયા દેવના મંદિર સામેના રોડ ઉપર બેઠેલ ગાય સાથે બાઇક અથડાતાં યુવક ઉછળીને જમીન પર પટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું ઘટનાસ્થળે અકાળે મોત નિપજતા સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રખડતા ઢોરના કારણે અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા છતાં કોઈ નક્કર પોલીસીનાં અભાવે જાહેર માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. ત્યારે કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં રોડ પર બેઠેલ ગાય સાથે સર્જાયેલા અકસ્માતમાં સાણંદનાં યુવાનને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ગામના સરપંચ ભરતજી સુરેશજી લક્ષ્મણજી ઠાકોરને ફોન કરીને કહ્યું હતું કે, તારા કાકાનાં દીકરા રાજુ સોમાજી ઠાકોરને નામ્મેદ ગામના ડાભલા પરા ખાતે ગાય સાથે એકસીડન્ટ થયેલ છે.
આ બનાવની જાણ થતાં જ સુરેશ અને સરપંચના ભાઈ દશરથજી બાઈક લઈને અકસ્માત સ્થળે જવા રવાના થયા હતા.ઘટના સ્થળે પહોંચતા જાણવા મળેલ કે ઘાયલ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. જેથી સુરેશ સહિતના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રાજુને મૃત જાહેર કરેલો હતો. આ અંગે સુરેશની ફરીયાદના આધારે સાંતેજ પોલીસે મૃતક પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારીને ગાય સાથે અથડાવી દઈ પોતાનું મોતને ભેટયો હોવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.