કલોલ : કલોલ શહેરમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધતાં ચિંતાનું મોજું ફેલાયું છે. થોડા સમયે અગાઉ પંચવટી વિસ્તારમાંથી ૧૧ લાખના માલમત્તાની ચોરી થઈ હતી તે સમાચારની સુકાઈ નથી ત્યારે પૂર્વ વિસ્તાર ખાતે આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી 7 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરતા શહેરવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે મકાન માલિકની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
કલોલમાં શિયાળાની શરૃઆત થઇ નથી પરંતુ તસ્કરો સક્રિય થઇ ગયા છે. એક અઠવાડિયાની અંદર બે મોટી ચોરીની ઘટના સામે આવતા પોલીસતંત્ર પર સવાલ ઉઠયા છે.કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા મુળહંસ સોસાયટીમાં રહેતા ભરતભાઈ શાહ પ્રોવિઝન સ્ટોર્સ ચલાવે છે. દુકાન બંધ કરીને તેઓ સારવાર માટે અમદાવાદ ગયા હતા. અમદાવાદ ખાતે પોતાની સાસરીમાં રોકાયા હતા આ દરમિયાન તેમના નાના ભાઈના પત્ની શીતલબેનનો ફોન આવેલ કે તમારા ઘરનું તાળું તૂટેલ હાલતમાં છે અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો છે.જેથી ભરતભાઈ કલોલ આવવા નીકળી ગયા હતા.
ઘરે આવીને જોતા ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો. ઘરની તિજોરી ચેક કરતાં લોક પણ તૂટેલી હાલતમાં હતું .વધુ તપાસ કરતા અંદર દાગીના જણાઈ આવ્યા ન હતા. તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના ગાયબ જોવા મળ્યા હતા. જેમાં બે સોનાના દોરા, સોનાની વીંટી, સોનાનું લોકેટ, સોનાની બુટ્ટી, કાનની શેર તેમજ ચાંદીની પાયલ, સોનાનું મંગલસૂત્ર, ચાંદીનો જુડો, ચાંદીનો કમર પટ્ટો, ચાંદીનો કંદોરો ગાયબ હતા. તસ્કરો ૬.૮૬ લાખ રૃપિયાની કિંમતના દાગીના,ઘડિયાળ અને ૬૦૦૦ રૃપિયાની રોકડ રકમ કુલ સાત લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેને પગલે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.